બજેટ ૨૦૧૯ : નરેન્દ્ર મોદીએ દેશના ૩ કરોડ મધ્યમવર્ગના લોકોને આપ્યો બમ્પર ફાયદો : 5 લાખ સુધીની આવક પર હવે ઈનકમ ટેક્સ નહિ લાગે

Spread the love

મિ.રિપોર્ટર, ૧લી ફેબ્રુઆરી

નરેન્દ્ર મોદીની કેન્દ્રની સરકારે સંસદમાં રજુ કરેલા વર્ષ ૨૦૧૯ના બજેટમાં દેશના ૩ કરોડ જેટલા મધ્યમવર્ગના લોકોને બમ્પર ફાયદો આપ્યો છે. સરકારે ૨.૫ લાખ સુધીને પર લાગનારા ટેક્સને દુર કરીને હવે પાંચ લાખ સુધીની આવક  ધરાવનારા લોકોને  હવે ઈનકમ ટેક્સ ભરવો નહિ પડે. તેમાંય દોઢ લાખ રુપિયાના ઈન્વેસ્ટમેન્ટની રાહતને ધ્યાન લેવાય તો સાડા છ લાખની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ભરવાનો નહીં રહે.

સંસદમાં વર્ષ ૨૦૧૯ના રજુ કરેલા બજેટમાં ઈનચાર્જ નાણામંત્રી  પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, સરકારે પાંચ લાખ સુધીની આવક પર ઝીરો ઈનકમ ટેક્સની જાહેરાત કરી છે. તેમાંય જો 80C હેઠળ મળતી દોઢ લાખની લિમિટ, બે લાખ રુપિયા હોમલોન પરના વ્યાજની લિમિટ અને એનપીએસમાં 50,000ની રાહતને ગણતરીએ લેવાય તો હવે ટેકનિકલી નવ લાખ રુપિયા સુધીની વાર્ષિક આવક પર હવે કોઈ ટેકસ ભરવાનો નહીં રહે. આ ઉપરાંત નોકરિયાતોને દયાનમાં રાખીને  સરકારે બજેટમાં જાહેરાત કરી છે  કે,  જો કોઈ શ્રમિકનું ચાલુ નોકરીએ મોત થાય તો EPFO દ્વારા તેને અઢી લાખને બદલે છ લાખ રુપિયાનું વળતર અપાશે. આ ઉપરાંત, ગ્રેજ્યુઈટીની મર્યાદા પણ 10 લાખ રુપિયાથી વધારીને 20 લાખ રુપિયા કરી દેવાઈ છે. 21 હજાર રુપિયા સુધીનો પગાર ધરાવતા શ્રમિકોને સાત હજાર રુપિયા બોનસ મળશે.

પીએમ કિસાન યોજના હેઠળ બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને સરકાર દર વર્ષે છ હજાર રુપિયા સીધા તેમના બેંક અકાઉન્ટમાં જમા કરાવશે. વર્ષે બે હજાર રુપિયાના ત્રણ હપ્તામાં આ રકમ જમા થશે. જેના માટે 75,000 કરોડનો ખર્ચ થશે. આ તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે.

મોદીના બજેટમાં બીજું શું છે ? 

 • જીએસટીનું માસિક કલેક્શન 97,000 કરોડ રુપિયા પર પહોંચ્યું. જાન્યુઆરીનું કલેક્શન 1 લાખ કરોડને પાર જાય તેવી સંભાવના વ્યકત કરાઈ. 
 • સરકારને ટેક્સ સ્વરુપે થતી આવક વધી. રિટર્ન ભરનારા લોકોની સંખ્યા પણ વધી છે.
 • આ વર્ષે રેલવે માટે સરકારે 64,587 કરોડ રુપિયા ફાળવ્યા.
 • આગામી પાંચ વર્ષમાં સરકાર 1 લાખ ડિજિટલ વિલેજ બનાવશે
 • 5 વર્ષમાં મોબાઈલ ડેટાનો વપરાશ 50 ગણો વધ્યો. મેક ઈન ઈન્ડિયા મિશન હેઠળ દેશમાં મોબાઈલ તેમજ તેના પાર્ટ્સ બનાવવાના પ્લાન્ટ્સ વધ્યા.
 • રેલવેના તમામ બ્રોડગેજ લાઈનો પર માનવરહિત ક્રોસિંગ દૂર થયા છે. 
 • હાઈવે નિર્માણમાં ભારત સૌથી આગળ છે, દેશમાં રોજના 27 કિલોમીટરના હાઈવે બનાવાઈ રહ્યા છે
 • modi સરકારે પહેલી વાર સરકારે સંરક્ષણ માટે ત્રણ લાખ કરોડ રુપિયાથી વધુ ફંડ ફાળવ્યું છે.
 • શ્રમિકો માટે મહિને 3,000નું પેન્શન મળશે. 
 • દર મહિને 100 રુપિયાનું અંશદાન આપીને બિનસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા દરેક શ્રમિક નિવૃત્તિની ઉંમરે એટલે કે 60 વર્ષે દર મહિને ત્રણ હજાર રુપિયાનું પેન્શન મેળવી શકશે.
 • ગાયોના સંવર્ધન માટે રાષ્ટ્રીય ગોકુળ મિશન માટે 750 કરોડ રુપિયા ફાળવાયા. 
 • ફિશિંગ અને પશુપાલન માટે લોન લેનારા ખેડૂતોને વ્યાજમાં બે ટકાની રાહત સરકાર દ્વારા આપવમાં આવશે.
 • છેલ્લા પાંચ વર્ષમાં દેશનો જીડીપી દર સૌથી વધુ રહ્યો છે. સરકારી બેંકોને ફરી બેઠી કરવા માટે 2.6 લાખ કરોડ રુપિયા ખર્ચાયા છે.
 • બેંકો પાસેથી લોન લઈ તેને ન ચૂકવનારા લેણદારો પાસેથી ઈન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ દ્વારા ત્રણ લાખ કરોડ વસૂલાયા.
 • છેલ્લા પાંચ વર્ષમાં દેશની આર્થિક સ્થિતિ સ્થિર બની છે, અને નાણાકીય ખાધ 3.4 ટકા જ્યારે ચાલુ ખાતાની ખાધ 2.5 ટકા પર આવી ગઈ છે.
 • સરકારે મોંઘવારી દર ૧૦ ટકા થી ઘટાડી 4 ટકા પર લાવી દીધો.