મિ.રિપોર્ટર, ૧૩મી ડીસેમ્બર.
દેશમાં અત્યાર સુધી સામાન્ય વ્યક્તિ ઓનલાઇન શોપિંગ દ્વારા પોતાની કોઈ મનગમતી વસ્તુનો ઓર્ડર કરે તો તેમને કંપની તરફથી પાઠવેલા બોક્સમાંથી અન્ય કોઈ જ વસ્તુ મળે અથવા તો લાકડા, સાબુ કે પેપરનો ડૂચો બનાવીને મોકલવામાં આવે તેવા અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. ઘણા કિસ્સામાં તો ઓરીજનલ વસ્તુના બદલે ડમી કે બોગસ વસ્તુ જ ખરીદનારને પાઠવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જોકે હવે પહેલીવાર સામાન્ય વ્યક્તિ સાથે થતી ઓનલાઇન શોપિંગની છેતરપીંડીનો ભોગ બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા પણ બની છે.
સોનાક્ષી સિંહાએ તેના Twitter એકાઉન્ટ પર પોતાની સાથે થયેલી છેતરપીંડી અંગે લખ્યું છે કે, મે એમેઝોન પરથી બોસ કંપનીનો રૂપિયા 18,000 નો હેડફોન મંગાવ્યો હતો. એમેઝોન દ્વારા કરાયેલી ડિલિવરી પછી, બોક્સ ખોલ્યું તો તેમાંથી લોખંડ નો એક ટુકડો મળી આવ્યો છે. આ અંગે જયારે મે એમેઝોનના કસ્ટમર કેરમાં જણાવ્યું તો તેઓ મદદ કરવા પણ ત્યાર ન હતા. ખરેખર મારો એક ખરાબ અનુભવ થયો છે. અત્રે સોનાક્ષીએ તેની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરીને કહ્યું છે કે, એમેઝોન દ્વારા તેમની સાથે દગાબાજી કરવામાં આવી છે.
તો બીજીબાજુ ભારે હોબાળા બાદ એમેઝોન દ્વારા સોનાક્ષીને જવાબ આપ્યો હતો કે, ‘આ સ્વીકાર્ય નથી અને અમે તેને માટે દિલગીર છીએ. કૃપા કરીને અહીં સંપૂર્ણ માહિતી શેર કરો. અમે તમારો સંપર્ક કરીશું. ‘ સોનાક્ષી ટ્વિટ બાદ ઓનલાઇન શોપિંગ કરનારા લોકોએ એમેઝોનનો ઉધડો લીધો હતો.