વડોદરા, મિ.રિપોર્ટર, ૫મી જાન્યુઆરી
શહેરના પોશ વિસ્તાર ગણાતા અલકાપુરી સ્થિત આજે બપોરે 3-30 વાગ્યાના અરસામાં બીએમડબલ્યુ કારના ચાલેક એક પછી એક ત્રણ ટુ-વ્હીલર અને કારને અડફેટે લીધા હતા. જેમાં ભાઈ-બહેન સહિત ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં આશિષ (ઉ.વ. 27) અને જયશ્રી કવૈયા (ઉ.વ.24) બંનેની હાલત ગંભીર છે, જયારે આશિષના ડાબો પગ ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે. આ તમામને તાત્કાલિક સારવાર માટે 108માં સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, અલકાપુરી સ્થિત એમ.કે હાઇસ્કુલ પાસેનો રોડ સીંગલ પટ્ટી અંતરયાડ રોડ છે. જેથી આ રસ્તા પર વાહનોની સ્પીડ ખુબજ સામાન્ય હોય છે. તેવામાં વંઠેલા સાંઢની જેમ બીએમડબલ્યુ કારમાં લઇને નિકળેલા ચાલકે પુર ઝડપે પોતાની કાર હંકારી હતી. જેમાં રસ્તા પરથી વાહન લઇને પસાર થઇ રહેલા ત્રણ ટુ-વ્હીલર ચાલકોને બીએમડબલ્યુના ચાલકે એક પછી એક અડફેટે લીધા હતા. જેમાં એક મોપેડ ચાલકને એડફેટે લેતા તે રસ્તા પર ફંગોળાયા હતા. જ્યારે મોપેડ બીએમડબલ્યુની નીચે આખી ઘુસી ગઇ હતી. તેમજ રસ્તા પર પાર્ક કારેલી કારને અડફેટે લીધા બાદ બીએમડબલ્યુ કાર ધડાકાભેર રસ્તા પરના થાંભલામાં જઇ ભટકાઇ હતી.
જોકે આ અકસ્માતને પગલે રસ્તા પર લોકોના ટોળા એકત્ર થતાં બીએમડબ્લ્યુનો માલિક સમીર અકસ્માત કરીને કાર મુકી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પરંતુ પાછળથી જાણવા મળ્યું હતું કે, ગેરેજમાં રિપેરિંગ માટે આ કાર આવી હતી અને મિકેનિક કાર લઈને ચક્કર મારવા નિકળ્યો ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે મોપેડ આખી કારમાં અંદર ઘુસી ગઇ હતી અને ટુ-વ્હીલર પર સવાર યુવતીને હવામાં ઉલાળી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે 108માં સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.