વાજતે-ગાજતે રેલી કાઢીને વડોદરા બેઠક પર ભાજપના રંજનબેન ભટ્ટે ઉમેદવારી ફોર્મ ભર્યું, ચોકીદાર તેમનો ટેકેદાર બન્યો..જુઓ..વિડીયો

Spread the love

મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉમેદવારી પત્ર ભરતી વખતે હાજર રહ્યા :  વડોદરા બેઠક પર ચા વાળા પછી હવે ચોકીદાર ટેકેદાર બન્યો

વડોદરા-મિ.રિપોર્ટર, ૨૯મી માર્ચ 

વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ આજે વાજતે-ગાજતે ઠોલ નગારા અને ડી.જે.સંગીતના તાલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ સાથે રેલી કાઢીને પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ સમયે તેમના ટેકેદાર તરીકે જયેશ પટેલ નામના ચોકીદારે ફોર્મમાં સહી કરી હતી.

શહેરના અમદાવાદી પોળ ખાતેથી વડોદરા લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવા માટે નીકળેલા રંજનબહેન ભટ્ટની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રીઓ, ધારાસભ્યો, મેયર, ડે. મેયર તેમજ મોટી સંખ્યામાં ભાજપા કાર્યકરો જોડાયા હતા. આદિવાસી નૃત્યુ, ઢોલ-નગારા અને ડી.જે. સાથે નીકળેલી રેલીનું માર્ગમાં ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલીના કારણે આસપાસના વિસ્તારોમાં ઠેર-ઠેર ટ્રાફિક જામ થઇ ગયો હતો. અસહ્ય ગરમીમાં વાહન ચાલકોને ઉભા રહેવાની ફરજ પડતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની વિશાળ માર્જીનથી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

This slideshow requires JavaScript.

કોઇ ચોકીદાર ચોર કહે છે, ત્યારે મને દુઃખ થાય છે

વડોદરા શહેરના સમા વિસ્તારમાં ઉત્તમનગરમાં એલ.આઇ.જી. ફ્લેટમાં રહેતા જયેશ પટેલ જી.એસ.એફ.સી.માં કોન્ટ્રાકટમાં સિક્યુરીટી તરીકે ફરજ બજાવે છે. ચોકીદાર જયેશ પટેલે જણાવ્યું હતું કે, ચોકીદાર ચોર હોતો નથી. કોઇ ચોકીદાર ચોર કહે છે, ત્યારે મને દુઃખ થાય છે. ચોકીદાર રક્ષા કરવા માટે હોય છે. હું મારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે ચોકીદાર તરીકે રાત-દિવસ મહેનત કરૂં છે. જેથી ચોકીદાર ક્યારેય ચોર હોતો નથી. તે હંમેશા રક્ષા કરવા માટે જ હોય છે. બુધવારે રાત્રે રંજનબહેન ભટ્ટના બે કાર્યકરો મારા ઘરે આવ્યા હતા. અને તેઓએ મને આધાર કાર્ડ લઇને સવારે કલેક્ટર કચેરીમાં આવવા માટે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ 2014ની લોકસભાની ચૂંટણીમાં હું ચા વાળોના મુદ્દો બનાવીને ચૂંટણી જીતી હતી. અને તે વખતે મોદીએ વડોદરા લોકસભા બેઠક પર ઉમેદવારી કરતી વખતે ચા વાળા કિરણ મહિડાને ટેકેદાર તરીકે સાથે રાખ્યો હતો.