વડોદરા-મિ.રિપોર્ટર, ૨૮મી માર્ચ

 શહેરના તરસાલી વિસ્તારના માર્ગો પર પડેલા ખાડાનો વીડિયો બનાવીને સ્થાનિક યુવાને ફેસબુક પર વાયરલ કરતાં જ ભાજપાના સ્થાનિક કાઉન્સિલર નિલેષ રાઠોડે યુવાનને બોલાવીને ધમકી આપી હતી કે, તારી માતા-બહેનો સેફ નથી. હું લુખ્ખો જ છું. આ ધમકીને પગલે સ્થાનિક મહિલાઓએ કાઉન્સિલર નિલેષ રાઠોડ જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી છે. 

તરસાલી વિસ્તારમાં રહેતા વૈભવ પટેલ નામના યુવાને તરસાલી વિસ્તારમાં રોડ પર પડી ગયેલા અસંખ્ય ખાડાઓ પુરવા માટે અવાર-નવાર સ્થાનિક કાઉન્સિલર્સ અને મહાનગરપાલિકામાં રજૂઆતો કરી હતી. પરંતુ, ખાડા ન પૂરાતા યુવાને રોડ ઉપરના ખાડાઓનો મોબાઇલ ફોન ઉપર વીડીયો બનાવ્યો હતો. તે વિડીયોને પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર વાયરલ કર્યો હતો. આ વીડિયો ભાજપના સ્થાનિક કાઉન્સિલર નિલેષ રાઠોડના ધ્યાન ઉપર આવતા તેઓ રોષે ભરાયા હતા. 

ફેસબુક પર વાયરલ થયેલા એક વીડિયોમાં વૈભવ પટેલના સમર્થનમાં આવેલી મિનાક્ષીબહેન નામની મહિલા આક્ષપે કરી રહી છે કે, ભાજપના કાઉન્સિલર નિલેષ રાઠોડે વીડિયો વાયરલ કરનાર વૈભવ પટેલને વાતચીત કરવાના બહાને બોલાવ્યો હતો. પોતાના કાર્યકરો સામે વૈભવ પટેલને માર મારવાની ધમકી આપતા જણાવ્યું કે, વીડિયો વાયરલ કરવાનું બંધ કર. ઘરમાં તારી મા-બહેનો છે. તેઓ સેફ નથી. હું આ વિસ્તારનો લુખ્ખો જ છું. કાઉન્સિલરે ધમકી આપતા વૈભવ પટેલની મદદે તેની બે બહેનો અને સ્થાનિક લોકો આવતા મામલો ઉગ્ર બની ગયો હતો.

વાયરલ વિડીયોના સંદર્ભમાં બહેનોએ કાઉન્સિલર નિલેષ રાઠોડને જણાવ્યું કે, જે રીતે તે અમારી માટે જાહેરમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. તે જ રીતે જાહેરમાં અમારી માફી માંગ. અને જો તું માફી માંગવા આવી શકતો ન હોય, અને વિસ્તારના કામો કરી શકતો ન હોય તો હોદ્દા ઉપરથી રાજીનામું આપી દે.

તો બીજીબાજુ વિવાદ વધતાં જ  સમગ્ર બાબત અંગે પોતાનો પક્ષ મુકતા કાઉન્સિલર નિલેષ રાઠોડે વાયરલ થયેલા વિવાદિત વીડિયો અંગે જણાવ્યું કે, અમારા વચ્ચે ગેરસમજ ઉભી થઇ હતી. જે ગેરસમજ દૂર થઇ ગઇ છે. મારા કાર્યકરોએ બોલેલા શબ્દો મારા ઉપર નાંખી દેવામાં આવ્યા છે. હું આવું કંઇ બોલ્યો નથી. અમારા વચ્ચે સમાધાન થઇ ગયું છે.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: