ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે કે, મોદી વડોદરા બેઠક પર લડશે કે નહીં ? : પ્રદેશ ભાજપના નિરીક્ષકો

વડોદરા-મિ.રિપોર્ટર, ૧૫મી માર્ચ

નરેન્દ્ર મોદી જો વડોદરા બેઠક પરથી ચૂંટણી લડશે તો ગત ચૂંટણી કરતા વધુ 2 લાખ મતોથી સરસાઇથી જીતશે અને પ્રદેશના નેતાઓ પણ ઇચ્છી રહ્યા છે કે, મોદી વડોદરા બેઠક પરથી ચૂંટણી લડે. જોકે આખરી નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે કે, મોદી વડોદરા બેઠક પર લડશે કે નહીં ? એમ  વડોદરા લોકસભા બેઠક પર ઉમેદવારોની પસંદગી માટે આજે પ્રદેશ ભાજપના નિરીક્ષક જય નારાયણ વ્યાસ, પંકજ દેસાઇ અને દર્શના વાઘેલા વડોદરાની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. 

પ્રદેશ ભાજપના નિરીક્ષકો સમક્ષ વડોદરા લોકસભા બેઠક માટે વડોદરાના વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, સ્થાયી સમિતિના ચેરમેન સતિષભાઇ પટેલ, પૂર્વ મેયર ભરત ડાંગર, પ્રદેશ મહિલા પ્રમુખ ડો. જ્યોતિ પંડ્યા, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ દિલુભા ચૂડાસમા અને પરાક્રમસિંહ જાડેજા સહિતના નેતાઓએ દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત ધારાસભ્યો, પ્રદેશ હોદ્દેદારો, વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, કોર્પોરેટરો, વિવિધ મોરચાના કન્વીનરો, સેલના કન્વીનરો સહિત 350 જેટલા આગેવાનોને મળશે અને તેમના અભિપ્રાયો લેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર ભાજપના કાર્યકરોમાં હાલમાં ચર્ચા છે કે,  વડોદરા બેઠક પર કોઇ આયાતી ઉમેદવાર ન આવવો જોઇએ. સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવી જોઇએ.