VMC કોરોનાના સાચા આંકડા જાહેર ન કરાતા હોવાનો ભાજપના MLA જીતેન્દ્ર સુખડિયાનો આક્ષેપ

www.mrreporter.in

રોજ 400 જેટલા કોરોના પોઝિટિવ કેસ અને 20થી વધુ મોત  થાય છે :  કોર્પોરેટર ચિરાગ ઝવેરી : મૃત્યુઆંક વધતા ગેસ ચિતાને બદલે લાકડાની ચિતા ઉપર મૃતકના અગ્નિસંસ્કાર કરવાની ફરજ પડી રહી છે

રાજનીતિ – મી.રિપોર્ટર, 18મી સપ્ટેમ્બર.

વડોદરા શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. VMC દ્વારા રોજ 120 થી 125 સુધીના પોઝિટિવ કેસો બતાવવામાં આવી રહ્યા છે. જોકે વાસ્તવિકતા અલગ છે. વડોદરામાં કોરોનાના પોઝિટિવ કેસોનો આંક તો વધારે જ છે. તેની સાથે મૃત્યુઆંક પણ વધારે છે. આજે ખુદ સયાજીગંજ વિધાનસભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય અને કોંગ્રેસના કાઉન્સિલરે તંત્ર દ્વારા પોઝિટિવ કેસો અને મૃત્યુઆંકને છૂપાવવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છેકે,  કોરોનાના મૃત્યુઆંકમાં થયેલા વધારાને પગલે હવે તંત્રને ગેસ ચિતામાં અગ્નિસંસ્કાર કરવાને બદલે લાકડાની ચિતા ઉપર અગ્નિસંસ્કાર કરવાની ફરજ પડી રહી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

વડોદરા શહેરમાં કોરોનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ જેવી સરકારી અને ટ્રસ્ટની કોવિડ હોસ્પિટલ સહિત ખાનગી કોવિડ હોસ્પિટલો કોરોના સંક્રમિત દર્દીઓથી ઉભરાઇ રહી છે. સરકારી હોસ્પિટલોમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓને હોમ ક્વોરન્ટીન થવાની સલાહ આપવામાં આવી રહી છે. જે સ્પષ્ટ બતાવે છે કે, સરકારી હોસ્પિટલોમાં પણ હવે દર્દીઓ માટે જગ્યા નથી. તેવી જ સ્થિતિ વડોદરાની મોટા ભાગની ખાનગી અને ટ્રસ્ટની કોવિડ હોસ્પિટલોમાં છે. કોરોના સંક્રમિત દર્દીઓને લેવાનો ઇન્કાર કરવામાં આવી રહ્યો છે. વડોદરામાં કોરોના દર્દીઓની સંખ્યામાં પ્રતિદિન વધારો થઇ રહ્યો હોવા છતાં તંત્ર દ્વારા દર્દીઓની સંખ્યામાં અને મૃતકોના આંકડા બતાવવામાં ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે.

સયાજીગંજ વિધાનસભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાએ જણાવ્યું હતું કે, વડોદરામાં કોરોનાની સ્થિતિ ગંભીર બની છે. તંત્ર દ્વારા જે આંકડા આપવામાં આવે છે. તે સરકારી હોસ્પિટલોના આપવામાં આવે છે. લોકોમાં ગભરાટ ફેલાય નહીં. તે માટે તંત્ર દ્વારા આંકડા જાહેર કરવામાં આવે છે. મૃત્યુદર પણ ચિંતાજનક વધી રહ્યો છે, પરંતુ, એ વાત ચોક્કસ છે કે, વડોદરામાં કોરોના પોઝિટિવ દર્દીઓ અને કોરોનાનો મૃત્યુ દર વધારે છે. તંત્ર આંકડા છૂપાવતું નથી, પરંતુ, તેઓ લોકોમાં ગભરાટ ફેલાય નહીં, તે રીતે આંકડા આપી રહ્યું છે, પરંતુ, હું ચોક્કસ માનું છે કે, વડોદરામાં કોરોનાની સ્થિતિ ગંભીર છે.

બીજીબાજુ VMC દ્વારા આંકડા છૂપાવવામાં આવી રહ્યાં છે તેવા MLA જીતેન્દ્ર સુખડિયા ના આક્ષેપ ને સાચા ઠેરવતાં કોગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ જણાવ્યું હતું કે, વડોદરામાં કોરોનાની સ્થિતિ દિવસે-દિવસે ખરાબ થઇ રહી છે. છેલ્લા કેટલાક સમયથી 100 થી 125નો ચોક્કસ આંકડો આપવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં વડોદરામાં પ્રતિદિન 400 જેટલા કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો છે. તંત્ર દ્વારા મૃત્યુઆંક પણ રોજનો 1થી 2 બતાવવામાં આવે છે, પરંતુ, પ્રતિદિન 20થી વધુ કોરોના સંક્રમીત દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. સ્મશાનોમાં કોરોના દર્દીઓના અંતિમ સંસ્કાર માટે જે રીતે વેઇટીંગ ચાલી રહ્યું છે, તે જોતા સ્પષ્ટ છે કે, તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓ અને કોરોનાના કારણે મૃત્યુ પામતા દર્દીઓનો આંકડો છૂપાવવામાં આવી રહ્યો છે.

 કોરોનાના પોઝિટિવ કેસના આંકડા અને મૃત્યુના આંકડા છૂપાવવામાં આવી રહ્યા હોવાના ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા અને કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ મૂકેલા આક્ષેપ અંગે OSD ડો. વિનોદ રાવે જણાવ્યું કે, આ બાબતે હું કોઇ કોમેન્ટ આપી શકુ નહીં, તંત્ર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.