વડોદરા, ૭મી નવેમ્બર. 

ચોરી કરેલા મુદ્દામાલમાંથી રૂપિયા 8 લાખ નવા ખરીદેલા મકાનના એડવાન્સ આપવા જઇ રહેલ ઘરફોડ ચોરી કરતી ગેંગના મુખ્ય સુત્રધાર સહિત 4ને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. છેલ્લા 7 માસમાં 20 બંધ મકાનોમાંથી ચોરી કરનાર સીકલીગર ગેંગ પાસેથી રૂપિયા 25 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

 ક્રાઇમ બ્રાંચના એ.સી.પી. ડી.એસ. ચૌહાણના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઇ. એસ.એમ. સોની અને એ.એ. વછેટા તથા તેમના સ્ટાફના લક્ષ્મીકાંત, હિતેન્દ્રસિંહ, હરીભાઇ, પરબતભાઇ, કનકસિંહ વિગેરેએ વારસીયામાંથી કારમાં પસાર થઇ રહેલી સિકલીગર ગેંગના સુત્રધાર જોગીન્દરસિંગ ઉર્ફ કબિરસિંગ સંતોકસિંગ સિકલીગર (રહે. બી-59, સત્યનારાયણ સોસાયટી, રણોલી), ગબ્બરસિંગ દીલીપસિંગ સીકલીગર (રહે. જલારામનગર ઝૂપડપટ્ટી, ડભોઇ રોડ), અતુલ પ્રભાકર પાંડે (રહે. દાંડિયા બજાર) અને શેરૂસિંગ છત્તરસિંગ સિકલીગર (રહે. ભુંડવાડો, વારસીયા)ને ઝડપી પાડયા હતા. તેઓની કારમાંથી ચોરી કરવાના સાધનો પણ પોલીસને મળી આવ્યા હતા.

જોઇન્ટ સી.પી. કેશરીસિંહ ભાટીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, દિવસે રેકી કરીને રાત્રે બંધ મકાનોના તાળા તોડી માત્ર રોકડ અને સોના-ચાંદીના દાગીના ચોરતી વડોદરાની સિકલીગર ગેંગના 4 સાગરીતોને ક્રાઇમ બ્રાંચે રૂપિયા 8 લાખ રોકડ, રૂપિયા 13 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના, રૂપિયા 4 લાખની કિંમતની કાર, મોબાઇલ ફોન વિગેરે મળી કુલ્લે રૂપિયા 25,68,310ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

જે.સી.પી. કેશરીસિંહ ભાટીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ટોળકીએ છેલ્લા 7 માસમાં વડોદરામાં શહેરના વિવિધ પોલીસ મથકની હદમાં 15 જેટલી ઘરફોડ ચોરી કરી છે. આ ઉપરાંત આ ટોળકીએ અમદાવાદ, ખેડા, સુરત ઉપરાંત મુંબઇમાં કુલ્લે 20 ચોરીઓ કરી છે. જો આ ટોળકી પકડાઇ ન હોત તો દિવાળીના સમયમાં અનેક બંધ મકાનોને નિશાન બનાવવાનું તેઓનો ટાર્ગેટ હતો.

આ ટોળકીનો સુત્રધાર જોગન્દરસિંગ ઉર્ફ કબીરસિંગ સિકલીગરે ખોડીયાર નગરમાં એક ફ્લેટમાં નવું મકાન બુક કરાવ્યું હતું. તે મકાનના એડવાન્સ પેટે રૂપિયા 8 લાખ આપવા જઇ રહ્યો હતો. જે રકમ પોલીસે કબજે કરી છે. આ ઉપરાંત પોલીસે તેઓએ છેલ્લા 7 માસમાં ચોરી કરેલ સોના-ચાંદીના દાગીના મળી કુલ્લે રૂપિયા 25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓ પૈકી દાંડિયા બજારમાં રહેતો અતુલ પાંડે દાંડિયા બજારમાં આવેલી અન્યોન્ય બેંકના લોકરોમાંથી સોનાની ચોરી કરવાના ગુનામાં અગાઉ ઝડપાયો હતો. અને તક મળતા તે સયાજી હોસ્પિટલમાં તબીબી સારવાર માટે લવાયો ત્યારે તે પોલીસને થાપ આપીને ફરાર થઇ ગયો હતો. ત્યારથી તે વોન્ટેડ હતો. જ્યારે સુત્રધાર જોગીન્દર ઉર્ફ કબિર વડોદરા અને અમદાવાદના અનેક ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ હતા.

 

 

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: