દિવાળી બોનસ માટે ભાઇલાલ અમિન હોસ્પિટલના કર્મચારીઓએ અનોખી રીતે ભીખ માંગી : વાંચો…

Spread the love

વડોદરા, ૫મી નવેમ્બર. 

નોકરિયાતો માટે દિવાળીમાં પગાર ઉપરાંત બોનસ મળે એટલે તેમની ખુશીઓ બેવડી થઇ જાય છે. પરંતુ વર્ષોથી નોકરી કરતા શહેરની જાણીતી ભાઇલાલ અમિન હોસ્પિટલના કર્મચારીઓને દિવાળી બોનસ માટે ભીખ માંગવાનો વખત આવ્યો છે. છેલ્લા બે દિવસથી બોનસ માટે આંદોલન કરી રહેલા કર્મચારીઓએ આજે હોસ્પિટલના ગેટની બહાર પસાર થતા લોકો પાસેથી દિવાળી કરવા માટે ભીખ માંગી હતી. તો બીજીબાજુ કર્મચારીઓના આ આશ્ચર્યજનક કાર્યક્રમે પસાર થતાં લોકોમાં પણ આકર્ષણ જમાવ્યું હતું

શહેરના એલેમ્બિક રોડ ઉપર આવેલી વર્ષો જુની ભાઇલાલ અમિન હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં અંદાજે 1000 ઉપરાંત તમામ વર્ગના કર્મચારીઓ ફરજ બજાવે છે. જેમાં 500 ઉપરાંત કર્મચારીઓ કાયમી છે. જ્યારે 300 જેટલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવે છે. હોસ્પિટલના સંચાલકો દ્વારા કાયદાપ્રમાણે કાયમી કર્મચારીઓને બોનસ આપવાના બદલે ઉચ્ચક રૂપિયા 3500 આપતા કર્મચારીઓએ બોનસનો વિરોધ કર્યો છે. અને કાયદાપ્રમાણે બોનસ આપવાની માંગ સાથે આંદોલન શરૂ કર્યું છે. આજે કર્મચારીઓ હોસ્પિટલના ગેટની બહાર પસાર થતા લોકો પાસે દિવાળી કરવા માટે ભીખ માંગી હતી. 

કાયદાકીય બોનસની માંગ સાથે વડોદરા આરોગ્ય સેવા કર્મચારી સંગઠનના નેજા હેઠળ આંદોલન ચલાવી રહેલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, અમે કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કર્મચારીઓને તેઓના ઇજારદારો દ્વારા રૂપિયા 8 હજાર બોનસ ચૂકવવામાં આવ્યું છે. જ્યારે અમે કાયમી હોવા છતાં અમોને રૂપિયા 3500 ઉચ્ચક બોનસ ચૂકવવામાં આવ્યું છે. અમોને કાયદા પ્રમાણે બોનસ નહિં મળે તો અમે બોનસ વિના દિવાળી મનાવીશું. પરંતુ, રૂપિયા 3500 લઇશું નહિં.

કર્મચારી સંગઠનના અગ્રણી જગદીશભાઇ સોલંકીએ જણાવ્યું કે, છેલ્લા બે દિવસ ઉપરાંતથી અમો દિવાળી બોનસ માટે આંદોલન ચલાવી રહ્યા છે. પરંતુ, મેનેજમેન્ટ દ્વારા કોઇ હકારાત્મક જવાબ ન આપતા અમારે લોકો પાસેથી દિવાળી કરવા ભીખ માંગવાનો વખત આવ્યો છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજે સાંજ સુધીમાં મેનેજમેન્ટ દ્વારા કોઇ બોનસ અંગેનો કોઇ નિવેડો લાવવામાં નહિં આવે તો તા.6-11-018ના રોજ રેલી કાઢવામાં આવશે. આ રેલી હોસ્પિટલ ખાતેથી નીકળી જિલ્લા કલેક્ટર કચેરી જશે. અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે. 

This slideshow requires JavaScript.