કલાસીસ સંચાલકોને નોટીસના પગલે બરોડા એકેડેમિક એસોસિએશનની આજે તાકીદની બેઠક : મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત બાયધરી આપશે

Spread the love

વડોદરા-એજ્યુકેશન, મિ.રિપોર્ટર, ૨૪મી મે

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલાં તક્ષશિલા કોમ્પલેક્ષમાં ફાયર સેફટીના સાધનોના અભાવે ટ્યૂશન ક્લાસમાં લાગેલી ભીષણ આગને પગલે  19 બાળકોનો ભોગ લેવાની ઘટનાને બરોડા એકેડેમિક એસોસિએશન સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે.  બરોડા એકેડેમિક એસોસિએશને  ઘટનાને  પગલે  ૨૫મીએ  એસોસિએશન ની કારોબારીની તાત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠકમાં વડોદરા સેવાસદન દ્વારા ફાયર સેફટીના સંદર્ભમાં અપાયેલી નોટીસ અંગે ચર્ચા કરીને વડોદરા સેવાસદનના મ્યુનિસિપલ કમિશ્નર અજય ભાદુને  ફાયર સેફટી અંગે લેખિતમાં બાયધરી આપીને કાયદાનું પાલન કરવાની ખાતરી આપશે. 

બરોડા એકેડેમિક એસોસિએશનની તાત્કાલિક બોલાવેલી બેઠક અંગે  એસોસિએશનના સેક્રેટરી મિલન શાહે ” મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલ “  સાથે એક વાતચીતમાં જણાવ્યું હતું કે,  બરોડા એકેડેમિક એસોસિએશનમાં ૪૫૦ કલાસીસ સંચાલકો મેમ્બર છે.  જેમાંથી ૧૫૨  કલાસીસ સંચાલકોને નોટીસ મળી છે. અમે કાયદાનું પાલન કરવા માંગીએ છીએ. કયાંક અમારા તરફથી સર્ટીફીકેટ લેવાનું રહી ગયું હશે, તો તેને અમે તાત્કાલિક અસરથી સુધારી લઈશું. અમે અમારા કલાસીસ ફાયર સેફ્ટીના પૂરતા સાધનો લગાવીશું, અમુક કલાસીસ પર લાગેલા છે.  અમે વધુ સુરક્ષાની ખાતરી કરીશું.

આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ તમામ બાબતોની ચર્ચા કરીને અમે વડોદરા સેવાસદનના મ્યુનિસિપલ કમિશ્નર અજય ભાદુને  ફાયર સેફટી અંગે લેખિતમાં બાયધરી આપીને કાયદાનું પાલન કરવાની ખાતરી આપીશું. જે અમારા એસોસિએશન સાથે સંકળાયેલા નથી તેવા નાના-મોટા કલાસીસવાળા ને અમે ફાયર સેફટી લેવા અંગેની જાણ કરીશું. સુરતમાં બનેલી ઘટનાને અમે વખોડવાની સાથે અમારે ત્યાં ભણવા માટે આવતા વિદ્યાર્થીઓની સુરક્ષા-સલામતીની વિશેષ કાળજી લઈશું. તેટલુજ નહિ પણ વાલીઓ અને શિક્ષકોની પણ સેફટી થાય તેવી વ્યવસ્થા અમે કલાસીસ પર ગોઠવીશું. આ અંગે અમારી ૨૫મીએ રાત્રે ૮ વાગે યોજાનારી કારોબારીની બેઠકમાં અંતિમ નિર્ણય લઈશું.