ભારતમાં TIKTOK પર પ્રતિબંધ મુકો : સાઈબર ક્રાઈમથી બચાવી શકાય તેવો કાયદો લાવશે ? મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો….જાણો કેમ

Spread the love

અમેરિકામાં બાળકોને સાઈબર ક્રાઈમથી બચાવવા માટે ચિલ્ડ્રન્સ ઓનલાઈન પ્રાઈવસી પ્રોટેકશન એકટ છે :  ભારતમાં ટિક ટોકના કેટલાક અસભ્ય વીડિયોને લઈને હંમેશા લોકોની ફરિયાદો ઉઠવા પામી

ટેકનોલોજી- મિ.રિપોર્ટર, ૪થી એપ્રિલ

ભારતમાં છેલ્લા એક વર્ષથી ચાઈનીઝ શોર્ટ વીડિયો મોબાઈલ એપ ટિક ટોક નો ભારે વિરોધ થઇ રહ્યો છે. આ વિરોધના પગલે ટિક ટોકને બંધ કરવાની માંગ  ઉઠવા પામી છે.  આ વિવાદ વચ્ચે જ  હવે મદ્રાસ હાઈકોર્ટેની મદુરાઈ બેંચ કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે કેન્દ્ર સરકાર ટિક ટોક એપ્લિકેશનની ડાઉનલોડિંગ પર પ્રતિબંધ લગાવે. તે સિવાય કોર્ટે કહ્યું કે સરકાર ટિક ટોકના વીડિયોને ફેસબુક જેવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવા માટે પણ પ્રતિબંધ મુકે. 

ભારતમાં ટિક ટોકના કેટલાક અસભ્ય વીડિયોને લઈને હંમેશા લોકોની ફરિયાદો ઉઠવા પામી છે. આ ફરિયાદના સંદર્ભમાં મદુરાઈ બેંચે કેન્દ્ર સરકારને ટિક ટોકને લઈને ઘણી સુચના આપી છે. જેમાં ટિક ટોકની ડાઉનલોડિંગ અને વીડિયોને શેર કરવા પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે.  એટલું જ નહિ પણ કોર્ટે સરકારને પૂછ્યુ કે શું તે કોઈ એવો કાયદો લાવશે જેનાથી બાળકોને સાઈબર ક્રાઈમથી બચાવી શકાય અને તેમને દુર રાખી શકાય. અમેરિકામાં બાળકોને સાઈબર ક્રાઈમથી બચાવવા માટે ચિલ્ડ્રન્સ ઓનલાઈન પ્રાઈવસી પ્રોટેકશન એકટ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,  ભાજપે પણ ભારતમાં હેલો અને ટિક ટોક જેવી ચાઈનીઝ એપ્લિકેશનને લઈને ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી અને  ચાઈનીઝ એપ્લિકેશન વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરી છે. તેના પહેલા સ્વદેશી જાગરણ મંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટિક ટોક જેવી ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી અને કહ્યું હતુ કે આ એપ્લિકેશન દ્વારા દેશની અર્થવ્યવસ્થા અને સુરક્ષા સામે જોખમ છે.