નાસ્તાની ડિલિવરી આપવા માટે નીકળેલા સ્વિગીના ડિલીવરી બોયને મોડી રાત્રે અજાણ્યા વાહને ટક્કર મારી હતી. ડિલિવરી બોયે હેલ્મેટ પહેર્યું ન હોવાથી માથામાં ગંભીર ઇજા પહોંચતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી રમઝાન પાર્ક સોસાયટીમાં રહેતા અફઝલ મુક્તીયાર અહેમદ શેખ (ઉં.વ.22) સ્વિગીમાં ડિલીવરી બોય તરીકે કામ કરતો હતો. મોડી રાત્રે 12 વાગે તે પોતાની બાઇક પર નાસ્તાની ડિલીવરી આપવા ગોરવા તરફ જઇ રહ્યો હતો. દરમિયાન માર્ગમાં કોઇ અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં તે રોડ પર પટકાયો હતો. અને મોતને ભેટ્યો હતો.
વડોદરા શહેર પોલીસ તંત્રના નિયમ પ્રમાણે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે., ત્યારે સ્વિગી દ્વારા નોકરી પર રાખવામાં આવતા યુવાનોને ચોક્કસ પ્રકારની ગાઇડ લાઇન આપવામાં આવે છે. જે ગાઇડ લાઇનમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. તેવો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોવાનું જાણવા મળ્યું છે.