સયાજી રત્ન એવોર્ડ સ્વિકારવા માટે અમિતાભ બચ્ચન પહોંચ્યા વડોદરા

Spread the love

વડોદરા: બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સયાજી રત્ન એવોર્ડ સ્વીકારવા માટે આજે વડોદરા પહોંચ્યા છે. બપોરે એક વાગ્યે અમિતાભ બચ્ચન વડોદરા એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમના ચાહકોએ ભારે ભીડ જમાવી હતી. બીગ બીની એક ઝલક મેળવવા માટે તેમના ચાહકોએ પડાપડી કરી મૂકી હતી. જ્યાંથી તેઓ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ રાજવી પરિવારની મુલાકાત લીધી હતી.

બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા વડોદરાના દીર્ઘદ્રષ્ટા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની યાદમાં 2013માં સયાજી રત્ન એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. 2013માં પ્રથમવાર નારાયણ મૂર્તિને, 2015માં રતન ટાટાને અને હવે 2018માં અમિતાભ બચ્ચનને સયાજી રત્ન એવોર્ડ આપવામાં આવશે. સયાજી રત્ન એવોર્ડ સ્વિકારવા માટે અમિતાભ બચ્ચન આજે બપોરે એક વાગ્યે વડોદરા પહોંચ્યા હતા. જ્યાં વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમિતાભ બચ્ચનની એક ઝલક મેળવવા માટે તેમના ચાહકોએ પડાપડી કરી મૂકી હતી. અમિતાભ બચ્ચને કારમાં બેઠા-બેઠા ચાહકોનું અભિવાદન કર્યું હતું. અને અમિતાભ બચ્ચન એરપોર્ટથી સીધા લક્ષ્મી વિલાસ પેલેસ જવા રવાના થઇ ગયા હતા. લક્ષ્મી વિલાસ પેલેસમાં અમિતાભ બચ્ચને રાજવી પરિવારની મુલાકાત લીધી હતી.

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના આગમનને લઇને હરણી રોડથી એરપોર્ટ સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. જોકે રસ્તો બંધ કરાતા ટ્રાફિક જામ સર્જાયો હતો.

અમિતાબ બચ્ચન લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લઇને ત્યાં જ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ સાથે બપોરનું ભોજન લેશે. ત્યારબાદ નવલખી ખાતે એવોર્ડ સેરેમનીમાં ભાગ લેશે. નવલખી મેદાન ખાતે 125 બાય 300 ફૂટના એસી ડોમમાં 45 મિનિટ સુધી ચાલનાર આ કાર્યક્રમમાં 4000થી વધુ શહેરીજનો ઉપસ્થિત રહેશે. જ્યાં તેઓ સયાજી રત્ન એવોર્ડ સ્વીકારશે અને ત્યારબાદ મુંબઈ જવા પરત ફરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સયાજી રત્ન એવોર્ડ માટે લિવિંગ લેજન્ડ ઓફ ઇન્ડિયા અને સમાજમાં આઇકોનિક પ્રતિભા ધરાવતી વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે. જેમાં વ્યાપાર, રમત-ગમત, આર્ટ, એજ્યુકેશન, ગવર્નન્સ અને મેડિકલ ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરનાર વ્યક્તિઓનો સમાવેશ કરાય છે. આ એવોર્ડ સેરેમની બાદ વડોદરા, રાજકોટ, અમદાવાદ અને મુંબઇ સહિતના ભારતનાં બીજાં રાજ્યોમાંનાં સ્થાનિક એસોસિયેશનના લોકો પણ આવશે, જેમની એવોર્ડ સેરેમની બાદ બીએમએસ દ્વારા ખાસ મિટનું આયોજન કરવામાં આવ્યું છે.