પ્લેનને હાઈજેક કરવાના ધમકી ભર્યો ફોન આવ્યા બાદ દેશના એરપોર્ટ પર હાઈએલર્ટ જારી : મુસાફરોનું અને ગાડીઓનું ચેકિંગ શરુ

Spread the love

નવીદિલ્હી-મિ.રિપોર્ટર, ૨૩મી ફેબ્રુઆરી.

ભારતના પ્લેનને હાઈજેક  કરી દેવામાં આવશે અને  પ્લેન હાઈજેક કરી પાકિસ્તાન લઈ જવામાં આવશે  તેવી ધમકીભર્યો ફોન શનિવારે મુંબઈમાં એક એરલાઈન્સના ઓપરેશન સેન્ટર પર આવતા જ  સમગ્ર દેશના એરપોર્ટને હાઈએલર્ટ કરી દેવામાં આવ્યા છે. 

નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરોએ દરેક એર લાઇન્સ અને CISFને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિશેષ પગલાં ભરવાના આદેશ આપી દીધાં છે.બ્યૂરોએ 23 ફેબ્રુઆરીએ નોટમાં કહ્યું કે, મુંબઇના એર ઇન્ડિયા એરપોર્ટ ઓપરેશન કંટ્રોલ સેન્ટરના ટેલિફોન પર 23 ફેબ્રુઆરી 2019ના રોજ એર ઇન્ડિયાના વિમાનો હાઇજેક કરવાની ધમકી આપવામાં આવી. જે બાદ દરેક એરપોર્ટ પર હાઇએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

પ્લેન હાઈજેક અંગેનો ફોન આવ્યા  બાદ  બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)એ તમામ એરપોર્ટ અને એરલાયન્સ ઓપરેટર માટે દિશાનિર્દેશ જાહેર કર્યા છે. આ ઘટના બાદ  દેશના તમામ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. એટલું જ નહીં પ્લેનમાં બેસતા પહેલા મુસાફરોનું ચેકિંગ અને કાર પાર્કિંગમાં જતી ગાડીઓનું ચેકિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.