સરકારે ભારે વિરોધ બાદ આખરે સ્કૂલોમાં નવરાત્રિનું વેકેશન રદ્દ કર્યું

Spread the love

મિ.રિપોર્ટર, વડોદરા, ૬ જૂન

નવરાત્રિ વેકેશન મામલે ભારે અસમંજસની સ્થિતિ વચ્ચે આખરે આ વેકેશનને રદ્દ કરવાની શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે. ચુડાસમાએ કહ્યું છે કે, આ વર્ષે સ્કૂલોમાં સરકાર નવરાત્રિમાં વેકેશન નહીં આપે. મહત્વનું છે કે, હાલમાં જ શિક્ષણ બોર્ડે નવરાત્રિ વેકેશન રદ્દ કરવાની ભલામણ કરી હતી, પરંતુ સરકાર તેને ચાલુ રાખવાની પોતાની જીદ પર અડી રહી હતી.

ગયા વર્ષથી નવરાત્રિમાં વેકેશન આપવાની જાહેરાત કરાઈ ત્યારે જ તેનો ભારે વિરોધ થયો હતો. ખાસ તો સ્કૂલના સંચાલકોને તેની સામે વાંધો હતો. સરકારે નવરાત્રિ વેકેશન માટે જે દલીલ કરી હતી તે પણ ખાસ સુસંગત નહોતી, અને પરીક્ષાના સમય સાથે આ વેકેશનનો મેળ ન ખાતો હોવાથી નવરાત્રિનું વેકેશન સ્કૂલોને સ્વીકાર્ય નહોતું.

નવરાત્રિ વેકેશનમાં જેટલા દિવસની રજાઓ હતી, તેને દિવાળીના વેકેશનમાં સરભર કરવાની હોવાથી દિવાળી વેકેશન ટૂંકું થઈ જતું હતું. સરકારની એવી પણ દલીલ હતી કે નવરાત્રિમાં જાગવાથી સ્ટૂડન્ટ્સને સવારે ઉઠવામાં તકલીફ પડે છે, અને સ્કૂલોમાં હાજરી ઓછી રહે છે. જોકે, તેની સામે સંચાલકોનું કહેવું હતું કે, મોટાભાગની સ્કૂલો બપોરની પાળીમાં ચાલતી હોવાથી વહેલા ઉઠવાનો કોઈ પ્રશ્ન જ નથી. નવરાત્રિને કારણે વિદ્યાર્થીઓની હાજરીમાં પણ કોઈ મોટો ફરક નથી પડી જતો.