આગમાં 20 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા બાદ VMC એ ફાયર સેફટી વગર ચાલતા ૧૫૨ કલાસીસ સંચાલકોને નોટીસ પાઠવી…વાંચો કોને નોટીસ મળી ?

Spread the love

વડોદરા- એજ્યુકેશન, મિ.રિપોર્ટર, ૨૪મી મે

ફાયર વિભાગની પરવાનગી લીધા વગર અધિકારીઓની મિલીભગતથી જ ખુલ્લેઆમ ચાલી રહેલા સુરતના સરથાણા વિસ્તારમાં આવેલાં તક્ષશિલા કોમ્પલેક્ષમાં ફાયર સેફટીના સાધનોના અભાવે  19 બાળકોનો ભોગ લેનાર ટ્યૂશન ક્લાસમાં લાગેલી ભીષણ આગને પગલે વડોદરા મહાનગર સેવા સદન સફાળું જાગ્યું છે. મ્યુનિ. કમિશનરે રાત્રે જ તાબડતોડ પત્રકાર પરિષદ બોલાવીને શહેરમાં ફાયરની સેફટી વગર અને પરવાનગી લીધા વિના ચાલતા ટ્યુશન કલાસીસ એન.ઓ.સી. લીધા પછીજ ટ્યુશન ક્લાસ ચલાવી શકશે તેવો આદેશ જાહેર કર્યો છે. 

સુરતમાં બનેલી ઘટના બાદ રાત્રે તેઓના નિવાસ સ્થાને પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી-019માં વડોદરા શહેરમાં નાના-મોટા 152 ટ્યૂશન ક્લાસોને ફાયર સેફ્ટી અંગે નોટિસો આપવામાં આવી હતી. જે ટ્યુશન ક્લાસોએ ફાયર સેફ્ટીની એન.ઓ.સી. લીધી નથી. તે ક્લાસોએ તાત્કાલિક ફાયર સેફ્ટીની એન.ઓ.સી. લેવાની રહેશે. અને જ્યાં સુધી તેઓ એન.ઓ.સી. ન લે ત્યાં સુધી ક્લાસ ચાલુ કરી શકશે નહિં. આમ છતાં જો કોઇપણ ટ્યુશન ક્લાસ ફાયર સેફ્ટીની એન.ઓ.સી. વિના ક્લાસ ચલાવશે તો તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટ્યુશન ક્લાસો ઉપરાંત હોટલો, રેસ્ટોરન્ટો, હોસ્પિટલો જ્યાં લોકોની વધુ આવન-જાવન રહેતી હોય તેવી બિલ્ડીંગમાં પ્રવૃત્તીઓ કરતા લોકોને પણ ફાયર સેફ્ટીની એન.ઓ.સી. લેવાની સૂચના આપવામાં આવે છે. આવતીકાલ શનિવાર તા.25 મેથી ફાયર સેફ્ટી માટેની ટીમો બનાવી સર્વે શરૂ કરવામાં આવશે. શહેરીજનોના ધ્યાનમાં પણ કોઇ જગ્યાએ ફાયર સેફ્ટીની એન.ઓ.સી. વિના પ્રવૃત્તી ચાલતી હોવાની માહિતી આપવામાં આવશે., તે અંગે પણ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

વડોદરામાં શહેરમાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ઉપરાંત રહેણાંક મકાનોમાં મોટા પાયે ટ્યુશન ક્લાસો ચાલે છે. રહેણાંક મકાનોમાં પણ ચાલતા ટ્યુશન ક્લાસમાં દિવસની 4-5 બેચો બાળકોની હોય છે. ત્યારે રહેણાંક મકાનોમાં ચાલતા ટ્યુશન ક્લાસો સામે પણ કાર્યવાહી જરૂરી છે. જો રહેણાંક મકાનોમાં ચાલતા ટ્યુશન ક્લાસ અંગે કુણુ વલણ રાખવામાં આવશે., તો ભવિષ્યમાં રહેણાંક મકાનોમાં ચાલતા ટ્યુશન ક્લાસોમાં પણ મોટી દુર્ઘટના બને તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.