મિ.રિપોર્ટર, ૬ઠ્ઠી નવેમ્બર
સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી આપવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સોમવારે બીજી વખત કપાટ ખુલ્યાં હતા. હજારો દર્શનાર્થીઓએ ભગવાન અય્યપ્પાના દર્શનનો લાભ લીધો હતો, પરંતુ માસિક ધર્મની વય ધરાવતી 10થી 50 વર્ષની એક પણ છોકરી કે મહિલા મંદિરમાં પ્રવેશ કરી શકી નહોતી.
સુપ્રીમના આદેશનો વિરોધ કરાશે તેવી દહેશતને પગલે મંદિર અને આજુબાજુના વિસ્તારોમાં મોટાપાયે પોલીસનો ખડકલો કરી દેવાયો હતો. ફરી એક વખત પાંચ દિવસ માટે સબરીમાલાનો વિસ્તાર કિલ્લામાં ફેરવાઇ ગયો છે. સશસ્ત્ર કમાન્ડો સહિત હજારો પોલીસકર્મીઓ તૈનાત કરાયા છે અને સર્વેલન્સ કેમેરા અને મોબાઇલ ફોન જામર પણ ગોઠવાયા છે. જોકે, સોમવારે કોઇ ખાસ પૂજા કરાઇ નહોતી. મંદિરના દરવાજા રાતના 10 કલાક સુધી ખુલ્લા રહ્યા હતા.