છોટાઉદેપુર બેઠક પર 5 ચૂંટણી બાદ ભાજપ-કોંગ્રેસના નવા નિશાળીયા વચ્ચે ટક્કર થશે…વાંચો કેમ ?

Spread the love

નારણ રાઠવા 8 વખત અને રામસિંગ રાઠવા 5 વખત સંસદની ચૂંટણી લડ્યા બાદ હવે પરિવર્તન : નારણ રાઠવા રાજ્યસભાના સાંસદ બનતાં તેમના સ્થાને નવા ઉમેદવાર રણજિત રાઠવાને તક : રામસિંગ રાઠવાને રિપિટ નહીં કરાતાં મહિલા રાજકીય અગ્રણી ગીતા રાઠવાનું નસીબ ખુલ્યું

રાજનીતિ- મિ.રિપોર્ટર, વડોદરા. દિવ્યકાંત ભટ્ટ

લોકસભાની છોટાઉદેપુર આદિવાસી અનામતવાળી બેઠક પર લોકસભાની 5 ચૂંટણી બાદ ભાજપ-કોંગ્રેસે 2019 ની ચૂંટણીમાં ઉમેદવારો બદલતાં પરિવર્તન જોવા મળ્યું છે. જેથી હવે આ બેઠક પર 21 વર્ષ પછી ભાજપ-કોંગ્રેસના નવા નિશાળીયા વચ્ચે આ ચૂંટણીમાં જંગ જામશે.

છોટાઉદેપુરના પૂર્વ સાંસદ નારણ રાઠવા રાજ્યસભાના સાંસદ બનતાં કોંગ્રેસે આ વખતે તેમના સ્થાને નવા ઉમેદવાર રણજિતસિંહ રાઠવાને તક આપી છે. જેથી 8 વખત લોકસભાની ચૂંટણી લડી 5 વખત સાંસદ થયેલા નારણ રાઠવા આ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જોવા નહીં મળે. બીજી તરફ ભાજપમાંથી 5 વખત ચૂંટણી લડી 3 વખત સાંસદ તરીકે ચૂંટાયેલા રામસિંગ રાઠવાના નામ પર ભાજપે આ ‌વખતે ચોકડી મારી દીધી છે. જયારે તેમના સ્થાને ભાજપે અહીં મહિલા રાજકીય અગ્રણી ગીતાબહેન રાઠવાને િટકિટ આપી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

5 ટર્મ બાદ છોટાઉદેપુર બેઠક પર ભાજપ-કોંગ્રેસે તેમના પીઢ ઉમેદવારોને બદલી નાંખતા મતદારોમાં નવા ઉમેદવારોને લઇ જબરદસ્ત ઉત્સુક્તા જોવા મળી રહી છે. ખાસ કરીને નવા નિશાળીયા ગણાતા આ બે ઉમેદવારોમાંથી સાંસદ તરીકે કયો ઉમેદવાર ચૂંટાશે તેને લઇ રાજકીય પંડિતો પણ હાલના તબક્કે અવઢવમાં મૂકાયા છે.

કોંગ્રેસના ઉમેદવાર રણજિતસિંહ રાઠવા પાવીજેતપુર-છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના જ્યેષ્ઠ પુત્ર છે. તેઓ બે વખત વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય ચૂંટાયા હતા. એટલું જ નહીં વર્ષ 2000 થી 2005 ની મુદત દરમિયાન વડોદરા જિ.પં.ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. હાલ તેઓ બરોડા ડેરીના ડિરેકટર છે. જ્યારે ભાજપના ઉમેદવાર ગીતાબહેન રાઠવા વડોદરા જિ.પં.માં સભ્ય તરીકે 5 ટર્મ ચૂંટાયા હતા. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે પણ રહ્યા હતા.જ્યારે 2014 માં છોટાઉદેપુર જિલ્લો અલગ થતાં હાલ છોટાઉદેપુર જિ.પં.સભ્ય તરીકે 6ઠ્ઠી વખત ચૂંટાઇ સમાજસેવા કરી રહ્યા છે.

નારણ રાઠવા જનતા દળ(ગુ) અને કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા 

છોટાઉદેપુર લોકસભા બેઠક પર નારણ રાઠવા સૌથી વધુ 5 વખત સાંસદ રહ્યા હતા. તેઓ 1989 અને 1991 ની ચૂંટણીમાં જનતાદળ(ગુ)ના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. જ્યારે 1996, 1998 અને 2004 માં કોંગ્રેસમાંથી વિજેતા થયા હતા. જ્યારે રામસિંગ રાઠવા ભાજપમાંથી 1999, 2009 અને 2014 ની ચૂંટણી જીતી 3 વખત સાંસદ બન્યા હતા.

કોંગ્રેસ-ભાજપના ઉમેદવારો વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ રહી ચૂક્યા છે

છોટાઉદેપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રણજિત રાઠવાએ વર્ષ 2000 થી 2005 દરમિયાન વડોદરા જિ.પં.માં પ્રમુખનો હોદ્દો સંભાળ્યો હતો. જ્યારે ભાજપના ઉમેદવાર ગીતા રાઠવા પણ વડોદરા જિ.પં.માં 2005 થી 2010 દરમિયાન ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ વડોદરા અને છોટાઉદેપુર બંને જિલ્લા પંચાયતમાં સભ્ય તરીકે ચૂંટાવાનો(કુલ-6 વખત)રેકોર્ડ ધરાવે છે.