ઓપનર લોકેશ રાહુલ પણ ટીમ ઇન્ડિયામાંથી સસ્પેન્ડ, બંને ઓસ્ટ્રેલિયાથી પાછા ફરશે : તપાસ પૂરી થાય બાદ ક્લીનચીટ મળશે તો જ રમી શકશે
સ્પોર્ટ્સ, મિ.રિપોર્ટર, ૧૧મી જાન્યુઆરી.
ટીવી શો ‘કોફી વિથ કરન’માં વડોદરાના યુવા ક્રિકેટર અને ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટીવી શો ‘કોફી વિથ કરન’માં મહિલાઓ વિશે અણછાજતી કોમેન્ટ કરવા અને ગેરવર્તન કરવા બદલ ભારતીય ટીમમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાની સાથે ઓપનર લોકેશ રાહુલને પણ મહિલાઓ માટે ગેરવ્યાજબી નિવેદન કરવા બદલ ભારતીય ટીમમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. બંનેને ઓસ્ટ્રેલિયાથી પાછા બોલાવી લેવામાં આવ્યા છે. તપાસ પૂરી ના થાય ત્યાં સુધી બંને ટીમનો ભાગ નહીં બની શકે. બંને ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વનડેમાંથી બહાર થઈ ગયા છે.
BCCI ના COAના હેડ વિનોદ રાયે જાણકારી આપતા કહ્યું હતું કે, “તપાસ પૂરી ના થાય ત્યાં સુધી બંનેને ટીમમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ નિર્ણય CEOની સદસ્ય ડાયના ઈદુલજીના પ્રસ્તાવ પછી લેવામાં આવ્યો છે. ઈદુલજીએ બે મેચમાં પ્રતિબંધની માંગ કરી હતી પરંતુ BCCIની લીગલ ટીમ ચેટ શોમાં કરેલ ટિપ્પણીને કોડ ઓફ કંડક્ટની વિરુદ્ધ માની રહી નથી.”
અત્રે ઉલ્લેખનીય છે કે, ટીવી શો ‘કોફી વિથ કરન’માં પોતાના વર્તન બદલ હાર્દિકે ટવિટર પર માફી માંગી હતી. તેણે કહ્યું હતું કે, “આ શોમાં મેં ફ્લોમાં આવીને ટિપ્પણી કરી હતી અને એ વાતનું ધ્યાન રાખ્યું ન હતું કે આનાથી કોઈની લાગણી દુભાઈ શકે છે. તે બદલ હું બધાની માફી માંગુ છુ.” તેણે વધુ ઉમેરતા કહ્યું હતું કે, “હું તમને ભરોસો આપવા માંગુ છુ આ કમેન્ટ્સ મેં કોઈ બદઈરાદા સાથે અથવા સમાજના કોઈ વર્ગને ખરાબ દેખાડવા કરી ન હતી. હું પ્રામાણિકતાથી શોના નેચર પ્રમાણે ફ્લોમાં આવીને આવું બોલ્યો હતો. મારો ઈરાદો કોઈનું અપમાન કરવાનો ન હતો.”