મહિલાનો નંબર વોટ્સએપના પોર્ન ગ્રુપમાં એડ કરનાર એડમિનની થઇ ધરપકડ….વાંચો..ચેતવણી સમાન કિસ્સો

Spread the love

મિ.રિપોર્ટર, ૨૭મી નવેમ્બર. 

વોટ્સએપ ગ્રુપમાં મેસેજ નાખતા એક હજાર વખત વિચાર કરજો. કેમકે એક ચેતવણી સમાન કિસ્સો બન્યો છે. મુંબઈમાં પહેલીવાર એક પોર્નગ્રુપમાં મહિલાને પૂછ્યા વિના તેનો નંબર એડ કરવા પર વોટ્સએપ ગ્રુપ એડમીનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પશ્ચિમ બંગાળના મુસ્તાક અલી શેખને IPCની કલમ હેઠળ અને IT એક્ટની 67 અને 67-A કલમ હેઠળ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

પોલીસને ફરિયાદ આપનારી મહિલાએ જણાવ્યું હતું કે,  તેનો નંબર સપ્ટેમ્બરમાં ‘ત્રિપલ XXX’નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો. પહેલા લાગ્યું કે આ કોઈ મિત્ર દ્વારા મજાક કરાઈ હશે. જ્યારે સવારે તેણે એડમિનિસ્ટ્રેટર અને 12 ગ્રુપ મેમ્બરના નંબર્સ જોયા તો તેને માલુમ પડ્યું તે તેમાંથી કોઈને પણ જાણતી નથી. પરંતુ બાદમાં તેણે ગ્રુપમાં ઘણા બધા પોર્ન ફોટો અને વીડિયો જોયા ત્યારપછી ફરિયાદ નોંધાવી. 

મહિલાની ફરિયાદ બાદ માટુંગા પોલીસે ગુરુવારે શેખની ધરપકડ કરી. તપાસ અધિકારી મારુતિ શેલકેએ કહ્યું, દરેક વોટ્સએપ ગ્રુપ એડમિનિસ્ટ્રેટર્સ માટે આ એક પાઠ સમાન છે કે તેઓ ગ્રુપમાં કોને એડ કરે છે અને શું પોસ્ટ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે, પૂછપરછ દરમિયાન શેખે માફી માગી અને કહ્યું, તેણે ભૂલથી ફરિયાદીનો નંબર એડ કરી દીધો હશે. તેણે કહ્યું, તેને લાગ્યું કે આ નંબર તેના સાળાનો છે અને તેની પાસે ફરિયાદીનો નંબર કેવી રીતે આવ્યો તેની ખબર નથી. 

 જયારે સીનિયર પોલીસ અધિકારી ભરત ભોઈટે જણાવ્યું, ફરિયાદ નોંધ્યા બાદ પોલીસને જાણ થઈ કે શેખનો ફોન નંબર પશ્ચિમ બંગાળનો છે. જોકે મોબાઈલ સર્વિસ પ્રોવાઈડરે તેમને કહ્યું શેખ મોટાભાગે મુંબઈમાં હોય છે, તે પછી અમે તેને ધારાવી વિસ્તારમાંથી પકડ્યો હતો.