મતદારોને ઠેકાણે પાડી દેવાની ધમકી આપનારા મધુ શ્રીવાસ્તવ સામે કાર્યવાહી થશે, નેતાઓએ ભાષા પર સંયમ રાખવો જોઇએઃ ઓમ માથુર

રાજનીતિ-મિ.રિપોર્ટર, વડોદરા, ૧૧મી એપ્રિલ

ગુજરાત ભાજપ પ્રભારી ઓમ માથુર  લોકસભાની ચૂંટણીને પગલે  આજે વડોદરાની મુલાકાતે હતા. જ્યાં તેઓએ ભાજપના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. ઓમ માથુરે મધુ શ્રીવાસ્તવના મતદારોને ઠેકાણે પાડી દેવાના નિવેદન મુદ્દે જણાવ્યું હતું કે, અમારી પાર્ટીના નેતા હોય, કાર્યકર હોય કે, અન્ય કોઇ હોય દરેક વ્યક્તિએ વાણી પર સંયમ રાખવો જોઇએ.  સંયમ રાખીને રાજનીતિમાં ચાલવુ જોઇએ. વાણીવિલાસ કરનાર  મધુ શ્રીવાસ્તવ સામે કાર્યવાહી થશે.

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ લીધા વિના ઓમ માથુરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન પદનું સ્વપ્ન જોનાર જે રીતે ચૂંટણી જાહેર સભામાં (ચોકીદાર ચોર) જે નારા લગાવી રહ્યા છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ અમારી પાર્ટીના નેતાઓએ પણ ભાષા પર સંયમ રાખવો જોઇએ. વધુમાં તેઓએ આંદોલન કરી રહેલા ખેડૂતો અંગે જણાવ્યું હતું કે, મોદી સરકારમાં જ ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જે આગામી દિવસોમાં ખેડૂતો માટે લાભકર્તા રહેશે. ભાજપ સરકારે હંમેશા ખેડૂતોના હિતની ચિંતા કરે છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *