દિવાળીના હપ્તા ઉઘરાવનાર GPCBના અધિકારીને એ.સી.બી.એ 1.50 લાખ રોકડ સાથે ઝડપ્યા

Spread the love

વડોદરા, ૩જી નવેમ્બર. 

દિવાળીમાં સરકારી અધિકારીઓ- કર્મચારીઓને ગીફ્ટ અથવા રોકડ રકમ આપવાની વર્ષોથી પંરપરા ચાલે છે, ત્યારે ઐદ્યોગિક એકમોમાંથી દિવાળીના હપ્તા ઉઘરાવીને આવી રહેલા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી આર.વી. પટેલને વડોદરા એ.સી.બી.એ બિનહિસાબી રૂપિયા 1.50 લાખ રોકડ સાથે ઝડપી પાડ્યા છે. એ.સી.બી.એ વડોદરા નજીક જામ્બુવા નજીક વોચ ગોઠવીને સુરત જી.પી.સી.બી.ના વર્ગ-1 ના અધિકારીને ઝડપી પડતા સરકારી તંત્રમાં ચકચાર મચી ગઇ છે.

 અમદાવાદમાં રહેતા રાજેશ વાલજીભાઇ પટેલ સુરત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ફરજ બજાવે છે. વડોદરા એ.સી.બી.ના મદદનીશ નિયામક એન.પી. ગોહિલને માહિતી મળી હતી કે,  વર્ગ-1ના અધિકારી રાજેશભાઇ વાલજીભાઇ પટેલ પાનોલી જી.આઇ.ડી.સી. સહિત અન્ય ઔદ્યોગિક એકમોમાંથી દિવાળીના હપ્તા ઉઘરાવીને પોતાની ગ્રે કલરની ઇનોવા કાર નંબર- જી.જે. 19- એ.એ.-9115માં અમદાવાદ તેઓના ઘરે જઇ રહ્યા છે.

આ માહિતીના આધારે એ.સી.બી. પી.આઇ. આર.એન. દવેએ પોતાના સ્ટાફ સાથે વડોદરા નજીક જામ્બુવા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. ઇનોવા કાર આવતાજ એ.સી.બી.એ કારને રોકી હતી. અને કારમાં તપાસ કરતા કારમાંથી રૂપિયા 1,50,000 રોકડ મળી આવી હતી. એ.સી.બી.એ કારમાં સવાર અધિકારી આર.વી. પટેલની રોકડ રકમ અંગે પ્રાથમિક પૂછપરછ કરતા તેઓ સંતોષ કારક જવાબ આપી શક્યા ન હતા. આથી એ.સી.બી.એ તેઓની રોકડ સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

એ.સી.બી.ના પી.આઇ. આર.એન. દવેએ જણાવ્યું હતું કે, સુરત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના વર્ગ-1ના અધિકારી રાજેશ પટેલ પાનોલી જી.આઇ.ડી.સી. સહિત અન્ય ઔદ્યોગિક એકમોમાંથી દિવાળી નિમીત્તેના હપ્તા ઉઘરાવીને અમદાવાદ તેઓના ઘરે જઇ રહ્યા હતા. તેઓ પાસેથી મળી આવેલી બિનહિસાબી રોકડ રકમ અંગે તેઓ સામે લાંચ રૂશ્વતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.