મિ.રિપોર્ટર, વડોદરા, ૬ જૂન
વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા ભાથુજીનગરમાં મૂળ યુ.પી.નો વતની શિવભારતી બાબુભારતી ભારતી(18) ભાડાના મકાનમાં રહેતો હતો. અને ફર્નિચરનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. મોડી સાંજે કામ પરથી આવ્યા બાદ મોબાઇલ ફોન ચાર્જમાં મૂકીને ફિલ્મ જોતો હતો. એકાએક મોબાઇલ ચાર્જરના કેબલમાં કરંટ લાગતા તે ફંગોળાઇ ગયો હતો. સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા. અને શિવને તુરંત જ હોસ્પિટલમાં લઇ જવાની તૈયારી કરી હતી. પરંતુ હોસ્પિટલમાં જતી વખતે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવે વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી હતી.
મોટાભાગના લોકો મોબાઇલ ફોન ચાર્જમાં મૂકીને મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં શિવ ભારતી સાથે બનેલી ઘટના મોબાઇલ ફોન ધારકો માટે લાલબત્તી સમાન છે. જોકે, મોબાઇલ ફોનના ચાર્જરના કેબલ દ્વારા કરંટ લાગવો પણ એક રહસ્ય છે. ત્યારે આ બનાવ અંગે પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.