બળાત્કારનો કેસ કરી ને સુરતના પિડિયાટ્રિશિયન ડૉક્ટર પાસે રૂપિયા 80 લાખ માગનારી મહિલાની ધરપકડ…. વાંચો કોણે કરી ફરિયાદ ?

Spread the love

પોલીસે મહિલાને કોર્ટમાં રજુ કરી, જમીન પર છુટકારો થયો

સુરત, મિ.રિપોર્ટર, ૨૨મી એપ્રિલ

બળાત્કારનો કેસ કરીને સુરત શહેરના એક ડૉક્ટર પાસેથી 80 લાખ રુપિયા પડાવવાના પ્રયાસમાં સુરત  પોલીસે મુંબઈથી એક મહિલાની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે,  મહિલાએ ડૉક્ટર સામે વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં 23 માર્ચના રોજ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.  મહિલાની ફરિયાદના આધારે પોલીસે ડૉક્ટરની ધરપકડ કરી હતી. જોકે ડોક્ટરનો ૨જી એપ્રિલે  જામીન પર છૂટકારો થયો હતો.

બળાત્કારની ફરિયાદ કરનાર મહિલા સામે સુરતના પિડિયાટ્રિશિયન ડૉ. વિપુલ મિસ્ત્રીએ વળતી ફરિયાદ કરી હતી કે, રેપ કેસ કરનારી મહિલા તેમને ફોન કરીને 80 લાખ રુપિયા આપવા ધમકાવી રહી છે. પોલીસે આ મામલે તપાસ કર્યા બાદ ડૉક્ટરની ફરિયાદ નોંધી હતી. આરોપી મહિલા પોતાના પતિ સાથે પુરાવા રજૂ કરવા આવી ત્યારે પોલીસે તેની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરી હતી, જ્યાં તેનો જામીન પર છૂટકારો થયો હતો.

ડૉક્ટરની ફરિયાદ અનુસાર, મહિલાને 2009થી ઓળખે છે અને એક મેટ્રિમોનિયલ વેબસાઈટ દ્વારા તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં. તેઓ પહેલીવાર વડોદરાના એક મૉલમાં મળ્યાં હતાં. જોકે, મહિલાએ 2010માં અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ તે મલેશિયા ચાલી ગઈ હતી, અને 2014માં તે પરત ફરી ત્યારથી ફેસબુકના માધ્યમથી ફરી ડૉ. વિપુલ મિસ્ત્રીના સંપર્કમાં આવી હતી. મુંબઈમાં મુલાકાત થયા પહેલા મહિલા અને ડૉક્ટર ફોન પર એકબીજા સાથે વાતો પણ કરતાં હતાં.

ડૉક્ટરે દાવો કર્યો હતો કે,  આરોપી મહિલા તેમને મુંબઈ બોલાવતી હતી, અને તેની સહમતીથી તેમની વચ્ચે મુંબઈ તેમજ વડોદરામાં અનેકવાર શારીરિક સંબંધો બંધાયા હતા. ત્યારબાદ મહિલાએ ડૉ. મિસ્ત્રીના દીકરાને જન્મ આપ્યો હોવાનો દાવો કરી તેમની પાસેથી રુપિયા માગવાનું ચાલુ કર્યું હતું. ડૉક્ટર મહિલાના બેંક અકાઉન્ટમાં નિયમિત રુપિયા પણ જમા કરાવતા હતા. જોકે, તાજેતરમાં જ મહિલાએ તેમની પાસેથી 80 લાખ રુપિયા માગ્યા હતા.

મહિલા દ્વારા નોંધાવાયેલી રેપની ફરિયાદમાં પોલીસે તપાસ કરતા બહાર આવ્યું હતું કે બે વર્ષ પહેલા મહિલાના પતિને બાળકનું બ્લડ ગ્રુપ માતા કે પિતા સાથે મેચ ન થતાં શંકા પડી હતી. આખરે આરોપી મહિલાએ પતિને બાળક ડૉ. મિસ્ત્રી સાથેના સંબંધોથી અવતર્યું હોવાનું જણાવતા તેના પતિએ બાળકના ઉછેર માટે પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. પતિએ પૈસા આપવાનું બંધ કરતા મહિલાએ ડૉ. મિસ્ત્રી પાસેથી પૈસા માગવાનું શરુ કર્યું હતું. મહિલા ડૉક્ટરને પોતાની સાથે લગ્ન કરવા પર દબાણ કરી રહી હતી, પરંતુ ડૉ. મિસ્ત્રી પહેલાથી જ પરણેલા હોવાથી તેમણે મહિલાને પરણવાની ના પાડી દીધી હતી.