ભીષણ આગને પગલે પીએમ મોદીએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું : સમગ્ર ઘટનાનો રિપોર્ટ ત્રણ દિવસમાં સોંપવા ગુજરાત સરકારનો આદેશ : મૃતકોનાં પરિવારજનોને 4 લાખની સહાય: બેદરકારો સામે કડક પગલાં ભરાશેઃ નીતિન પટેલ
સુરત,મિ.રિપોર્ટર, ૨૪મી મે
ડાયમંડ નગરી તરીકે જાણીતા સુરતમાં ફરી એકવાર ભીષણ આગની ઘટના સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલાં તક્ષશિલા એપાર્ટમેન્ટના બીજા માળે ભીષણ આગ લાગી હતી. આગ લાગી તે માળ પર આવેલા ડાન્સ ક્લાસ તેમજ ફેશન ઈન્સિટ્યૂટમાં 50 જેટલા હાજર સ્ટૂડન્ટ્સ ફસાઈ ગયા હતા.
આગની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી. 18 ફાઈર ફાઈટરના કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આગ વિકરાળ રીતે બીજા માળે ફેલાતા જ આગમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવવા ત્રીજા માળેથી છલાંગ મારી હતી. આ આગની ઘટનામાં 18 જેટલા વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે. જયારે આગમાં દાજેલા અને છલાંગ લગાવીને કૂદેલા ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાને લીધે માત્ર સુરત શહેર જ નહિ પણ સમ્રગ રાજ્યમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
ઘટનાની ગંભીરતાને જોતાં ફાયરવિભાગે હાઈડ્રોલિક મંગાવ્યું હતું. ફાયર વિભાગની ટીમ દ્વારા મેજર કોલ જાહેર કરાયો છે. આગથી બચવા માટે યુવાનો બીજા માળેથી છલાંગ લગાવતાં નજરે ચઢ્યા હતા. ભીષણ આગને જોતાં 8 એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ટ્યુશનમાં બાળકો ફસાયા હોવાની જાણ થતાં જ વાલીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કોમ્પલેક્ષની નીચે વાલીઓ રડતાં જોવા મળ્યા હતા.
રાજ્ય સરકારે આગની ઘટનામાં મૃત્યુ પામેલા સ્ટૂ઼ડન્ટ્સના પરિવારજનોને સહાયતા પણ જાહેર કરી દીધી છે. સીએમ રુપાણીએ રાજ્યના શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશ પૂરીને આ મામલે ઘટના સ્થળે પહોંચી તપાસ કરવાના આદેશ આપ્યા છે. સીએમે ઘટનાના કારણ, ફાયર બ્રિગેડની કામગીરી, આગ લાગેલી બિલ્ડિંગના જરુરી પરવાનગી વિશેની તમામ વિગતો ચકાસવા જણાવ્યું છે. આ ઉપરાંત, મૃતકોના પરિવારજનોને ચાર લાખની સહાયતા આપવાની પણ જાહેરાત કરાઈ છે.
ખુદ પીએમ મોદીએ પણ આ અંગે ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા, અને તેમણે પણ આ ઘટનામાં સ્ટૂડન્ટ્સના મોત થયાની વાતને પુષ્ટિ આપી હતી. કાનાણીએ કહ્યું હતું કે, હાલ પ્રાથમિકતા ઘાયલોને બચાવવાની છે.