મોદીનો ફોટો પ્રિ-વેડિંગ ફોટોશૂટના આલ્બમમાં દેખાયા
સુરત-મિ.રિપોર્ટર, ૧૮મી એપ્રિલ
લોકસભાની ચુંટણીના માહોલ વચ્ચે જ લગ્નની સીઝન પણ જામી રહી છે. એવામાં સુરતના એક યુગલે પોતાની કંકોત્રીમાં વડાપ્રધાન મોદીના ફોટા છાપીને મોદી માટે પોતાનો પ્રેમ દર્શાવવાની સાથે સાથે પોતે ચોકીદારની સાથે છે તેવો સંકેત આપ્યો હતો.
વાત જાણે એમ છે કે, સુરતના દેવધ વિસ્તારમાં રહેતા હરેશ બલદાનીયા અને સિયા આહીરના લગ્ન તારીખ 7મી મેના રોજ છે. જો કે આ કપલ વડાપ્રધાન મોદીના ખૂબ જ મોટા પ્રશંસક છે. તેઓ કોઈ પાર્ટી સાથે જોડાયેલા નથી પણ વડાપ્રધાન મોદીની કાર્યશૈલીથી તેઓ ત્યારથી જ પ્રભાવિત છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને હવે તેઓ દેશના વડાપ્રધાન પદે કામ કરી રહેલા મોદી માટે પણ પોતાનો પ્રેમ દર્શાવી રહ્યા છે.
હરેશ અને સિયા એ પોતાના લગ્ન માટે જે કંકોત્રી છપાવી છે તેના પર ભાજપનું ચિન્હ દોરીને તેમને વડાપ્રધાન મોદીને જ ફરી વડાપ્રધાન બનાવવા માટેની અપીલ કરી છે. પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહેલા હરેશ અને સિયાને વડાપ્રધાન મોદી એટલા પ્રિય છે કે એમણે લગ્ન પહેલા કરાવેલા પ્રિ-વેડિંગ ફોટોશૂટમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો છપાવ્યો છે. અલગ અલગ ડ્રેસ સાથે પડાવેલા તેમના કપલ્સ ફોટોમાં તેઓએ વડાપ્રધાન મોદીનો ફોટો પણ ‘મેં ભી ચોકીદાર’ના સૂત્ર સાથે છપાવ્યો છે.
લગ્નજીવનની શરૂઆત કરવા જઈ રહેલા આ નવયુગલ ઈચ્છે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના લગ્નમાં હાજરી આપે. જોકે લોકસભા ચૂંટણીની વ્યસ્તતાને કારણે તેઓ ન આવી શકે એ વાતથી પણ તેઓ વાકેફ છે પણ તેઓ તેમના આશીર્વાદ ઇચ્છી રહ્યા છે અને આ માટે જ તેઓએ પહેલી કંકોત્રી ભગવાનને અર્પણ કરી છે. જ્યારે બીજી કંકોત્રી વડાપ્રધાન મોદીને લખી છે.