9મીએ અમેરિકાની પાંચ હવેલીના લાઇવ દર્શન અને ઓનલાઇન સત્સંગનું આયોજન

Spread the love

વડોદરાના શ્રી કલ્યાણરાયજી મંદિરના પાટોત્સવ પ્રસંગે વિશેષ આયોજન :   એટલાન્ટા, કનેક્ટિકટ,શિકાગો, ઓકાલા અને સાનફ્રાન્સિસકો હવેલીના લાઇવ દર્શનનો લ્હાવો મળશે :  લાઇવ દર્શન અને ઓનલાઇન સત્સંગ‘પુષ્ટિ ટીવી યુ-ટ્યૂબ ચેનલ’ પર નિહાળી શકાશે 

એટલાન્ટા-અમેરિકા,  મિ.રિપોર્ટર, દિવ્યકાંત ભટ્ટ ( વિશેષ રિપોર્ટર) 

વડોદરા સ્થિત શ્રી કલ્યાણરાયજી મંદિરના પ્રથમ પાટોત્સવનો મનોરથ પ્રતિવર્ષ વૈશાખ વદ બીજની  તિથિએ ઉજવાય છે. આ વર્ષે પાટોત્સવ પ્રસંગને યાદગાર બનાવવા માટે શનિવાર તા.9 મે ના રોજ વૈષ્ણવ ઇનરફેઇથ પુષ્ટિમાર્ગીય ઓર્ગેનાઇઝેશન-ઇન્ટરનેશનલ(VIPO) ના ઉપક્રમે અમેરિકાની પાંચ હવેલીના લાઇવ દર્શન અને ઓનલાઇન સત્સંગનું આયોજન કરાયું છે. ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાં વસવાટ કરતા વૈષ્ણવ શ્રદ્ધાળુઓને શનિવારે અમેરિકાના એટલાન્ટા, કનેક્ટિકટ,શિકાગો, ઓકાલા અને સાનફ્રાન્સિસકો હવેલીના લાઇવ દર્શનનો લ્હાવો મળશે.

શ્રી કલ્યાણરાયજી મંદિરના પાટોત્સવ પ્રસંગે ષષ્ઠપીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ વૈષ્ણવ ઇનરફેઇથ પુષ્ટિમાર્ગીય ઓર્ગેનાઇઝેશન-ઇન્ટરનેશનલ(VIPO) ના ઉપક્રમે અમેરિકાના વિવિધ શહેરો સ્થિત પાંચ હવેલીમાં બિરાજમાન શ્રી ગોવર્ધનનાથજી અને શ્રી કલ્યાણરાયજીના લાઇવ દર્શન અને ઓનલાઇન સત્સંગનું શનિવારે આયોજન કરાયું છે.

www.mrreporter.in

અમેરિકાના એટલાન્ટા સ્થિત ગોકુલધામ હવેલીના ચેરમેન અશોક પટેલ અને એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે હવેલીમાં રૂબરૂ દર્શનથી વંચિત રહેતા વૈષ્ણવોને ઘરબેઠાં દર્શનનો લ્હાવો મળે તેવું આયોજન ગોઠવાયું છે. શનિવારે ઇસ્ટર્ન સમય મુજબ સાંજે 6 વાગ્યાથી 7.30 વાગ્યા સુધી પાંચ હવેલીના લાઇવ દર્શન અને આરતી ‘પુષ્ટિ ટીવી યુ-ટયૂબ ચેનલ’ પર નિહાળી શકાશે.

આ ઉપરાંત તેની સાથે વૈષ્ણવ શ્રદ્ધાળુઓ ઓનલાઇન સત્સંગ, શ્રી કલ્યાણરાયજીનું મહાત્મ્ય અને ઇતિહાસ તેમજ પાટોત્સવ પ્રસંગે વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના વચનામૃતનો લ્હાવો પણ મળશે.

શ્રી કલ્યાણરાયજી મંદિરના પાટોત્સવ પ્રસંગે આયોજિત લાઇવ દર્શન અને ઓનલાઇન સત્સંગના આયોજનને સફળ અને યાદગાર બનાવવા પાંચે હવેલી દ્વારા ટેકનિકલ સિસ્ટમનું સેટઅપ ગુરુવારે કરાયું હતું.

અમેરિકાના એટલાન્ટા સ્થિત ગોકુલધામ હવેલીના ચેરમેન અશોક પટેલ અને એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા, કનેક્ટિકટમાં આવેલી વલ્લભધામ હવેલીના રાજીવ દેસાઇ, ઓકાલા સ્થિત પુષ્ટિધામ હવેલીના ભરત પટેલ, શિકાગોની શ્રીજીદ્વાર હવેલીના ડૉ.દેવેન્દ્ર પટેલ અને સાનફ્રાન્સિસકો ખાતેની શ્રીમય કૃષ્ણધામ હવેલીના શૌમિલ શાહ અને દિવ્યાંગ પટેલ દ્વારા વૈષ્ણવ સમુદાયને આ કાર્યક્રમનો લ્હાવો લેવા અનુરોધ કરાયો છે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.