વડોદરામાં 227 સહિત ગુજરાતમાં 4530 પેટ્રોલ પંપ ખુલશે : પેટ્રોલ પંપની ડીલરશીપ સરળ અને ઓનલાઈન બનાવાઈ

Spread the love

મિ.રિપોર્ટર, ૮મી ડીસેમ્બર. 

કેન્દ્રના પેટ્રોલીયમ મંત્રાલય દ્વારા પેટ્રોલ પંપ શરૂ કરવા માંગતા લોકો માટે એક નવી સ્કીમ મુકવામાં આવી છે. આ સ્કીમમાં સરકારે ” વેપાર કરવો સરળ”  યોજના પ્રમાણે આઇ.ઓ.સી., બી.પી.સી.એલ., અને એચ.પી.સી.એલ. દ્વારા વડોદરામાં 227 પેટ્રોલ પંપ સહિત ગુજરાતમાં 4530 નવા પેટ્રોલ પંપ શરૂ કરવાનું આયોજન  હાથ ધર્યુ છે. 

કઈ જગ્યાએ  કેટલા પેટ્રોલ પંપ ખોલવામાં આવશે ?

 ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ગુજરાતમાં 2350, દાદરા અને નગર હવેલીમાં 21, દમણ-દીવમાં 16 મળી કુલ 2387 પેટ્રોલ પંપ ખોલવામાં આવશે.  ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. દ્વારા ગુજરાતમાં 998, દાદરા અને નગર હવેલીમાં 8 તેમજ દમણ અને દીવમાં 11 મળી કુલ્લે 1011 પેટ્રોલ પંપ ખોલવામાં આવશે. હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. દ્વારા ગુજરાતમાં 1102, દાદરા અને નગર હવેલીમાં 19, દમણ અને દીવમાં 11 મળી કુલ 1132 પેટ્રોલ પંપ ખોલવામાં આવશે

પેટ્રોલ પંપની ડિલરશિપ પ્રક્રિયા સરળ બનાવાઇ

ઓઇલ માર્કેટીંગ કંપનીના આઇ.ઓ.સી.એલ.ના સુરત ડિવીઝનના ચિફ મેનેજર સુનિલ વિક્રમ સિંઘે જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલનું રિટેલ વેચાણ વાર્ષિક અનુક્રમે 8 ટકા અને 4 ટકાના દરે વધી રહ્યા છે. કંપનીઓ દ્વારા પેટ્રોલ પંપનું વિસ્તરણ વધારવા માટે જઇ રહ્યું છે. સરકારની યોજના પ્રમાણે પેટ્રોલ પંપની ડીલરશિપ પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. અરજી ફોર્મ સરળ બનાવવામાં આવ્યું છે. અરજદારોએ ઓછામાં ઓછા ડોક્યુમેન્ટ જોઇન્ટ કરવા પડે તેની કાળજી લેવામાં આવી છે.

પેટ્રોલ પંપની સંપૂર્ણ પ્રક્રિયા ઓન લાઇન થશે 

ઓઇલ માર્કેટીંગ કંપનીના વડોદરા ડિવિઝનના મેનેજર સૌરભ પુજારીએ જણાવ્યું હતું કે, નવા પેટ્રોલ પંપ માટે માલિકીની જમીન જરૂર નથી. સ્વતંત્ર એજન્સીના સંચાલન હેઠળ કમ્પ્યુટરરાઇઝ ડ્રો ઓફ લોટ્સ- બિડ ઓપનીંગ યોજાશે. તમામ પેટ્રોલ પંપનું આધુનિક ટેકનોલોજીથી બાંધકામ કરવામાં આવશે. વધુ માહિતી વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. પેટ્રોલ પંપની સંપૂર્ણ પ્રક્રિયા ઓન લાઇન થશે.