વરસાદ-ઠંડી સાથેનો બર્ફિલો માહોલ છતાં સ્વાદ રસિયા ગુજરાતીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા : ગુજરાતી પરિવારોએ વિદેશમાં પોંક-ઊંધિયાની ઉજાણી થકી વતનની યાદ તાજી કરી 

એટલાન્ટા-અમેરિકા, મિ.રિપોર્ટર,  દિવ્યકાંત ભટ્ટ

અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી વિદેશની ધરતી પર વસવાટ કરતા ભારતીય-ગુજરાતી પરિવારોની એક્તા માટેની વિવિધ પ્રવૃત્તિઓના આયોજનનું કેન્દ્ર બની છે. જે અંતર્ગત શનિવારે પોંક-ઊંધિયું-જલેબીની ઉજાણીનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ વેળા તોફાની પવન-વરસાદ અને 5 ડિગ્રી ઠંડી સાથેનો બર્ફિલો માહોલ હોવા છતાં 1600 ગુજરાતીઓએ પોંક-ઊંધિયું-જલેબીની ઉજાણીમાં ભાગ લીધો હતો. પોંક-ઊંધિયું-જલેબીની ઉજાણી સાથે ગુજરાતી પરિવારોએ માદરે વતનની યાદો તાજી કરી હતી.

વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધિશ્વર વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ એટલાન્ટા સિટીમાં ગોકુલધામ હવેલી સ્થપાઇ છે. માત્ર સવા વર્ષ અગાઉ શરૂ થયેલી આ ગોકુલધામ હવેલીમાં અત્યાર સુધી 40 જેટલાં ધાર્મિક અને સામાજિક સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા છે. પરિણામે ભારતીય-ગુજરાતી સમાજમાં ગોકુલધામ હવેલીએ અનેરું આકર્ષણ ઊભું કર્યું છે.

જાન્યુઆરીમાં ભારતના પ્રજાસત્તાક પર્વની દેશભક્તિની ભાવના સાથે ઉજવણી કરાઇ હતી. ત્યારબાદ શનિવાર તા.23 ફેબ્રુઆરીએ ગોકુલધામ હવેલી ખાતે પોંક-ઊંધિયું-જલેબીની ઉજાણીનો કાર્યક્રમ યોજાયો હતો. બપોરે 12 કલાકે શ્રી કલ્યાણરાયજી પ્રભુની રાજભોગની આરતી સંપન્ન થયા બાદ બપોરે 1 વાગ્યાથી શ્રી જગદગુરુ હોલમાં ઉજાણીનો પ્રારંભ થયો હતો. એક તરફ એટલાન્ટા સિટીમાં બર્ફિલો માહોલ હોવા છતાં એટલાન્ટા અને તેની આસપાસના શહેરોમાંથી સ્વાદ રસિયા ગુજરાતી પરિવારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

This slideshow requires JavaScript.

બપોરે 1 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ચાલેલી આ ઉજાણીમાં દર કલાકે 225 વ્યક્તિઓ જોડાઇ હતી. 7 કલાકમાં સ્વાદ રસિયા 1600 ગુજરાતીઓએ સુરતી પોંક-સેવ, ઊંધિયું-પુરી અને જલેબી સહિત અન્ય વાનગીઓનો રસાસ્વાદ માણ્યો હતો. આ કાર્યક્રમના સફળ આયોજનનો સુખદ અનુભવ કરનારા ગુજરાતી પરિવારોએ ગોકુલધામના ચેરમેન અશોક પટેલ,એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા, ટીમ મેમ્બર્સ કિન્તુ શાહ, હેતલ શાહ, સમીર શાહ, જીગર શાહ, પરિમલ પટેલ, નિકશન પટેલ, અલકેશ શાહ તેમજ કિચન ટીમના સ્વયંસેવકો ભાનુબહેન પટેલ, હસુભાઇ પટેલ, રંજનબહેન સિરોયા, ધીરુભાઇ પટેલ, નરપત મહારાજ, અશ્વિન પટેલ, સોહિનીબહેન અને પ્રકાશ પટેલની જહેમતને બિરદાવી હતી.

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: