શહેરના વાસણા વિસ્તારમાં માતા-પિતાની હાજરીમાં ચાલતી દારૂ અને હુક્કાની મહેફિલ પર પોલીસે દરોડો પાડીને 14 નબીરાઓને રંગેહાથ દારૂ-હુક્કાની મોજ માણતા ઝડપાયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, વાસણાની લાવણ્યા સોસાયટીમાં નિલાંશ શાહ નામના યુવકનો બર્થ ડે મનાવવા તેના નબીરા મિત્રો ભેગા થયા હતા. જ્યાં નિલાંશની બર્થ ડે પર દારૂ અને હુક્કાની વ્યવસ્થા કરવામાં આવી હતી. નિલાંશના ૧૪ જેટલા નબીરાઓ ઊંચા અવાજમાં મ્યુઝિક વગાડીને શોર મચાવીને જન્મદિવસની પાર્ટીનો આનંદ માની રહ્યા હતા. તે વખતે જ આસપાસ રહેતા કોઈ વ્યક્તિએ પોલીસને બાતમી આપતા ત્યાં રેડ પડી હતી. પોલીસે દરોડો પાડતા યુવાનના પિતાએ પોલીસની સાથે મારામારી કરી હતી. પોલીસ સાથેની માથાકૂટ બાદ પોલીસે તમામ ૧૪ નબીરાઓની ધરપકડ કરી હતી. પોલીસે જન્મદિનની પાર્ટીમાં નબીરાઓએ વાપરેલા વિવિધ ફ્લેવરના હુક્કા અને દારૂની બોટલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.