102 વર્ષના બબલીબહેન રાણા મતદાન કરવા ન મળતા નિરાશ : મતદાર યાદીમાંથી નામ ગાયબ

Spread the love

૧૦૨ વર્ષના માજી જહેમત ઉઠાવી ને મતદાન કરવા આવ્યા તો તેમનું નામ જ ગાયબ છે, આ તંત્રની બેદરકારી છે : કોંગ્રેસના પ્રવકતા ઋત્વિજ જોશી

વડોદરા- મી.રિપોર્ટર, ૨૩મી એપ્રિલ

હુજરાત પાગા બુથ ઉપર પરિવાર સાથે મતદાન કરવા માટે ગયેલા 102 વર્ષના બબલીબહેન રાણાનું નામ મતદાર યાદીમાં ન હોવાથી મતદાન કર્યા વિના પરત ફરવું પડ્યું હતું. પરિવારે જણાવ્યું હતું કે, 2014માં અમારા બાએ મતદાન કર્યું હતું. પરંતુ, આ વખતે મતદાર યાદીમાંથી નામ ગાયબ થઇ ગયું છે.

શહેરના ફતેપુરા રાણાવાસમાં રહેતા 102 વર્ષના બબલીબેહન મોહનભાઇ રાણા દરેક ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન કરવા જાય છે. વર્ષ-2014માં પણ પરિવાર સાથે મતદાન કરવા માટે ગયા હતા. આજે પણ તેઓ ચૂંટણી કાર્ડ લઇને પરિવાર સાથે મતદાન કરવા માટે હુજરાત પાગા બુથ ઉપર ગયા હતા. પરંતુ, મતદાન મથકની મતદાર યાદીમાં તેમનું નામ ન નીકળતા તેઓ નિરાશ થઇ ગયા હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે, 2014માં અમારી બાનું નામ મતદાર યાદીમાં હતું. આ વખતે ગાયબ કેવી રીતે થઇ ગયું. તેવો સવાલ કરી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. કાળઝાળ ગરમીમાં પરિવાર સાથે મતદાન મથકે પહોંચેલા બબલીબહેનને મતદાન કરવા ન મળતા તેઓ નિરાશ થઇ ગયા હતા.

તો બીજીબાજુ કોંગ્રેસના પ્રવકતા ઋત્વિજ જોશી એ સરકારી તંત્ર પર આક્ષેપ કર્યો હતો કે, મતદાન મથક પર વ્હીલચેર ની પણ કોઈ વ્યવસ્થા નથી. ખરેખર તો હોવી જોઈએ. જહેમત ઉઠાવી ને મતદાન કરવા આવ્યા તો તેમનું નામ જ ગાયબ છે. આ તંત્રની બેદરકારી છે.